पुनि मंदिर मन बात जनाइ।
आवत नगर कुशल रघुराइ।।
कृपा सिंधु जब मंदिर गये।
पुर नरनारी सुखी सब भये।।
આ પંક્તિઓને કેન્દ્રમાં રાખીને બાપુએ શ્રી વૃંદાવન ધામ, રામપરા અને શ્રી રામકૃષ્ણ સેવા ટ્રસ્ટ, રાજુલાના સત્કાર્યમાં સહયોગ આપવા માટે, શનિવાર તારીખ ૧૪ માર્ચ ૨૦૨૦ના રોજ “માનસ-મંદિર” શિર્ષક અંતર્ગત રામકથાનો મંગલ પ્રારંભ કર્યો હતો. સાવરકુંડલામાં ચાલતી શેઠ લલ્લુભાઇ હોસ્પિટલની પેટર્ન પર રાજુલામાં પણ દર્દી નારાયણ માટે તદન નિઃશુલ્ક સેવા આપતું આરોગ્ય મંદિર ઊભું થાય, એ માટે કથારંભે પૂજ્ય બાપુએ ચિત્રકુટધામ, તલગાજરડાની હનુમંત પ્રસાદી રૂપે સવા લાખ રૂપિયા યજ્ઞની આહુતિ રૂપે અર્પણ કર્યા. ધારાસભ્ય શ્રી અમરીશભાઈ ડેરે બે કરોડ રૂપિયાનું દાન આપ્યું. શ્રી માયાભાઈ આહિરે ૧૧ વીઘા જમીન દાનમાં આપી. શ્રી અનિલભાઈ મહેતા તરફથી બે કરોડ અને લંડનના કથાપ્રેમી શ્રી રમેશભાઈ સચદેવજી તરફથી એક કરોડ રૂપિયાનું અનુદાન પ્રાપ્ત થયું. એ રીતે ૧૪થી૧૬ માર્ચ- ત્રણ દિવસ દરમિયાન સાડા છથી સાત કરોડ જેવી રકમ એકત્રિત થઇ ચૂકી છે. હજી એનાથી બમણી રકમની આવશ્યકતા છે. આરોગ્ય ધામના સૂત્રધારોનો સંકલ્પ હતો કે ૨૦૨૧ ની રામનવમીએ આરોગ્ય ધામ દ્વારા નિ:શુલ્ક સારવાર સેવા શરૂ કરી શકાશે. કોરોનાને કારણે હવે આ સંકલ્પ ઈશ્વર ધારશે, ત્યારે પૂરો થશે. પરંતુ પૂજ્ય બાપુએ મુલતવી રાખેલી કથા ૨૫ એપ્રિલે પૂર્ણ કરી, શ્રી હનુમાનજીને વિદાય અપાશે.
૧૪ માર્ચે, કથારંભે રાજુલા બ્રહ્મસમાજ અને મુસ્લિમ સમાજના પ્રતિનિધિઓએ વ્યાસપીઠની વંદના કરી હતી. બાપુએ કહેલું કે – “અહીં એક તરફ વૃંદાવન ધામ છે, બીજી તરફ પીપાવાવ- ઠાકોરજીનું ધામ છે. વચ્ચે કાગધામ છે, જે સાહિત્યનું ધામ છે. ચોથું, આરોગ્ય ધામ સર્જાઈ રહ્યું છે. અને આ બધાને બળ આપનાર ચિત્રકુટ ધામનો હનુમાનજી આપણી ભેગો છે!”
બાપુએ એમ પણ જણાવ્યું હતું કે આજે અધ્યાત્મને આરોગ્યની, અને આરોગ્યને અધ્યાત્મની બહુ જરૂર છે. અસ્તિત્વનો આ સંકલ્પ હશે, એટલે જ આ સેતુબંધ જોડાયો છે.
સાવરકુંડલા હોસ્પિટલમાં થઇ રહેલ નિઃશુલ્ક સેવા અંગે તેમ જ સમર્પિત યજમાન શ્રી કાંતિભાઈ વાળંદ પરિવારની સેવા-ભાવના બદલ પૂજ્ય બાપુએ રાજીપો વ્યક્ત કર્યો હતો. કોરોનાની સ્થિતિના સંદર્ભમાં બાપુએ કહેલું કે – “રાજપીઠ કરતાં પણ મારી વ્યાસપીઠને જન આરોગ્યની વધારે ચિંતા છે. માત્ર રાજ્ય કે રાષ્ટ્ર જ નહીં, સમગ્ર વિશ્વના માનવીઓની મારી વ્યાસપીઠને ચિંતા છે. એક તરફ કોરોના છે અને બીજી તરફ ઇશ્વરની કરુણા છે. આપણે ડરવાનું નથી, પણ સાવધાની પૂરી રાખવાની છે. માસ્ક બાંધજો, સેનેટાઇજરનો ઉપયોગ કરજો. અને સ્વાસ્થ્ય અંગે સતર્કતા રાખજો. એક તરફ કોરોના વાયરસ છે, તો બીજી તરફ વાયુપુત્ર છે…!”
બાપુએ જણાવેલું કે જ્યાં મંદિર હોય, ત્યાં ત્રણ વસ્તુ બહુ જરૂરી છે- વ્યવસ્થા, અવસ્થા અને આસ્થા.
અધ્યાત્મ મંદિરમાં વ્યવસ્થા હોવી જોઈએ. કોઈ એક પાકેલો ધીર-ગંભીર અવસ્થાવાન મહાપુરુષ હોવો જોઈએ અને ત્રીજી- આસ્થા. મંદિરનો પાયો જ આસ્થા છે. આસ્થા એટલે અવ્યભિચારી ભરોસો.
આરોગ્ય મંદિરમાં પણ વ્યવસ્થા બહુ જરૂરી છે. અવસ્થાવાન, ધીર-ગંભીર ડૉક્ટર હોય, તો વધુ સારી રીતે દર્દીની સેવા થઇ શકે. આરોગ્ય મંદિરની પણ એક અવસ્થા હોવી જોઇએ. લોકોને લાગવું જોઈએ કે અહીં જવામાં કંઈ વાંધો નથી. બાપુએ કહ્યું કે
“મારી વ્યાસપીઠ બધાને સ્વીકારવા નીકળી છે, કોઈને સુધારવા નહીં. હું મંત્ર નહીં, મોહબ્બત આપું છું.
ગુરુ માર્ગ નથી, ગુરુ મંઝિલ છે! છતાં લોકમંગલ માટે ગુરુ માર્ગ પણ બની જાય છે. ગુરુ સાધન નથી, ગુરુ સાધ્ય છે. કથા પણ સાધન નથી, સાધ્ય છે.
માનસના સાતે સાત કાંડમાં એક એક મંદિર છે. આમ જુઓ, તો માનસમાં કુલ ૧૧ મંદિર છે.”
વર્તમાન સમયમાં જ્યારે વિશ્વભરમાં કોરોના મહામારી બનીને પ્રવેશી રહ્યો છે, ત્યારે પૂજ્ય બાપુએ કહેલું કે-
“આવત નગર કુસલ રઘુરાઇ…., ઈશ્વર આપણી સૌની કુશળતા બનીને આવે, આપણું આરોગ્ય બનીને આવે એવી પ્રાર્થના કરીએ.”
મંગલાચરણના સાત મંત્રથી બાપુએ કથામાં પ્રવેશ કરતાં જણાવ્યું કે જીવનમાં વિવેક ન ચૂકીએ, એ ગણેશ પૂજા છે. અજવાળામાં જીવવાનો મંગલ સંકલ્પ સૂર્યપૂજા છે. વિચારોને વિશાળ બનાવીએ, એ વિષ્ણુ પૂજા છે. વિશેષણ મુક્ત શ્રદ્ધા દુર્ગાપૂજા છે. અને બીજાનું કલ્યાણ થાય એવું કાર્ય કરવું, એ શિવ પૂજા છે.
ગુરુવંદના સંદર્ભમાં બાપુએ કહ્યું કે- “ગુરુચરણની રજથી દ્રષ્ટિ શુદ્ધ થાય- નિર્મળ થાય, પછી એ વ્યક્તિ કોઈને નીંદે નહીં, સહુને વંદે! માણસ કાંઈ ન કરે પણ શુભ ચિંતન કરે, તો ય એનું આરોગ્ય જળવાય છે. બીજાની નિંદા કરે, તે પોતાનું અને બીજાનું અહિત કરે છે.”
બીજા દિવસે કથાના પ્રારંભ પહેલા ત્રિપાંખી સાધુ સમાજ, ભરવાડ સમાજ અને પટેલ સમાજના મહાનુભાવો દ્વારા પોથી-વંદના કરવામાં આવી હતી. બાપુએ કહ્યું કે – “એક બાજુ વાયરસ છે, બીજી બાજુ મારો નાથ વાયુરસ છે.”
કોરોના વાયરસના સંદર્ભમાં માસ્ક, સેનીટાઇઝર વગેરે મૂળ ભાવ કરતાં મોંઘા વેચાઇ રહ્યા છે. એ સંદર્ભમાં બાપુએ વેપારીઓને અપીલ કરી, કે “માનવતાને લક્ષમાં લેજો. કોઈનાં આરોગ્યને કેન્દ્રમાં રાખીને ધંધો ન કરાય.”
બાપુએ કહ્યું કે સનાતન ધારામાં સાત મંદિરો છે. રામ મંદિર, કૃષ્ણ મંદિર, શિવ મંદિર, મા દુર્ગા ભવાની મંદિર, લક્ષ્મીનારાયણ મંદિર, હનુમાન મંદિર અને ગણેશ મંદિર. આ સપ્ત મંદિર આપણો પાયો છે. બાપુએ કહ્યું કે આ સાત મંદિર ઉપરાંત આઠમું મંદિર “આરોગ્ય મંદિર” છે.
સાવરકુંડલા અને રાજુલામાં નિ:શૂલ્ક હોસ્પિટલની જેમ, જો મહુવાની હનુમંત હોસ્પિટલ પણ નિઃશુલ્ક થઈ જાય, તો ત્રિવેણી રચાઈ જાય, એવી ભાવના બાપુએ વ્યક્ત કરી.
બાપુએ કહ્યું કે આરોગ્ય મંદિરનાં ભૂમિ પૂજનની પાયાની ઈંટ છે – નિઃશુલ્કતા. પાયાનો પત્થર જ્યાં સુધી અડીખમ રહેશે, ત્યાં સુધી આ ઈમારતને વાંધો નહીં આવે.
આરોગ્ય મંદિરની મૂર્તિ, એનો દર્દી છે. દર્દી તરફ પૂજ્યભાવ, પ્રેમભાવ અને આદરભાવ હોવો જોઈએ. ડૉક્ટર આરોગ્ય મંદિરનો પૂજારી છે. ડૉક્ટરની માળા એનું સ્ટેથસ્કોપ છે. હૃદયમાં સંવેદનાનો ભાવ હોય- આર્તભાવ હોય, દર્દી માટે પીડા હોય- એ આરોગ્ય મંદિરની આરતી છે.
વેદ અનુસાર, જેને બીજા માટે વેદના-સંવેદના થાય, એ વિશ્વ માનવ છે. દર્દીને આરોગ્ય પ્રાપ્ત થાય, એ જ આરોગ્ય મંદિરનો પ્રસાદ છે. સેવાભાવથી સમર્પિત ટ્રસ્ટીઓ આરોગ્ય મંદિરને વધુ વ્યાપક અને વિશાળ બનાવી શકે-જ્યાં પ્રસાદ વહેંચાતો હોય, વેચાતો ન હોય!
બાપુએ કહ્યું કે – “જે મંદિરમાં રોટી વહેંચાતી ન હોય, પરંતુ વેચાતી હોય- ત્યાં ધજા ફરકતી નથી, ફફડે છે.” મંદિરનું શિખર, એના મોવડીઓ દ્વારા થતું ચિંતન છે. શિખર ઊંચું નહીં હોય તો ચાલશે, પણ પહોળું હોવું જોઇએ- જેમાં બધાનો સ્વીકાર હોય.
જે સ્થાનમાં મંત્ર દીક્ષિત લોકો રહેતા હોય, એ સ્થળ એટલે મંદિર. મંદિરનો ‘મં’ એટલે મંત્ર, ‘દિ’ એટલે દિક્ષિત અને ‘ર’ એટલે રહેવું. વેદ વિચાર, વિવેક વિચાર અને વૈરાગ્ય વિચારથી દીક્ષિત સમાજ જ્યાં રહેતો હોય અને જ્યાં સેવાના સંકલ્પ રચાતા હોય, એ મંદિર છે. આવા પ્રકલ્પમાં ઉત્સાહ વર્ધન કરે, એવા ઉંચા વિચારોવાળા લોકોને જ રાખવા જોઈએ. એવા મંદિરનાં ઝાલર-નગારા ખુદ અસ્તિત્વ વગાડશે.
અહીં એક આરોગ્ય મંદિર અને બીજું અધ્યાત્મ મંદિર છે. એનો પાયો સત્ય છે. સનાતન ધર્મનાં મંદિરનો પાયો પરમ સત્ય જ હોય.
આપણું હૃદય પણ મંદિર છે, જેમાં પરમાત્મા બિરાજે છે. ભગવાનની મૂર્તિ જેમાં હોય, એ મંદિરનો પૂજારી વૈરાગી હોય- સાધુ હોય,જેનાં હૃદયમાં એક જ ભાવ હોય છે કે- “મારા ઇષ્ટને કોઈ દુઃખ ન પહોંચવું જોઈએ.”
અદ્વૈત ભાવ એ આરતી છે.અહીં સર્વનો સ્વીકાર છે, સહુને આવકાર છે. પ્રસાદનો એક અર્થ કૃપા છે. અધ્યાત્મ મંદિરનો પ્રસાદ ભગવત્ કૃપા છે. જ્ઞાનમાર્ગમાં અખંડ વૃત્તિ હોય. ભક્તિમાર્ગમાં અખંડ સ્મરણ હોય!
આરોગ્ય મંદિરનું શિખર અવિચળ વિશ્વાસ છે. વૃંદાવનમાં મંદિરની ધજા પ્રીતિ છે.
કથાના ક્રમમાં પૂજ્ય બાપુએ વંદના પ્રકરણમાં આગળ વધતા જણાવ્યું કે નરલીલા કરવા માટે ભગવાને બે સ્વરૂપ ધારણ કર્યા છે. એ રીતે રામ અને સીતા એ બંને બ્રહ્મના વિગ્રહ છે.
કળિયુગમાં નામ મહિમા અપાર છે. મંત્ર-જપ નિયમથી થાય. નામ-સ્મરણ કરવા માટે કોઈ વિધિ-વિધાનની જરૂર નથી. તુલસીદાસજીએ યુગ પ્રમાણે અનુષ્ઠાન બતાવ્યા છે. સતયુગમાં ધ્યાનનો મહિમા છે. ત્રેતાયુગમાં પરમાત્માને પામવાનું સાધન યજ્ઞ હતું. આજના સંદર્ભમાં- જરૂરીયાતમંદને ધન આપવું, ભૂખ્યાને અન્ન આપવું, તરસ્યાને જળ આપવું- એ જ આપણા યજ્ઞ છે. દ્વાપરમાં પરમતત્વને પામવા માટેનું સાધન પૂજા – આર્ચા ગણાતું. કળિયુગમાં ધ્યાન,યજ્ઞ કે પૂજા-અર્ચા ન થઈ શકે, તેથી કેવળ નામ જ ઉપાસના માટેનું સાધન છે. કળિયુગમાં નામ-સ્મરણ એ જ ધ્યાન છે, યજ્ઞ છે અને પૂજા છે.
તુલસી કહે છે કે એકવાર પણ જે પરમાત્માનું નામ લે, એ તરી જાય છે. મૂળમાં ભરોસો હોવો જોઈએ. પ્રભુના નામનો મહિમા અપાર છે. ગાંધીજી અને વિનોબાજીએ પણ નામનો મહિમા કર્યો છે. રામનામ બીજ છે. છોડ મોટો થાય અને પછી ગમે તેવો – ગમે તેટલો પાક આવે, એ પછીની વાત છે. પરંતુ મૂળતત્વ બીજ છે.
રામ મહામંત્રનો નિરંતર જપ શિવજી કરે છે. રામ મંત્ર છે, રામ મહામંત્ર છે, રામ મંત્ર શિરોમણી છે, રામ મંત્ર-રાજ છે!
રામ નામથી ગણપતિ પ્રથમ પૂજ્ય બન્યા છે, વાલ્મિકી ઉલ્ટું નામ જપીને ઋષિ બન્યા છે, રામનામ લેવાથી મા ભવાની નારીધર્મના અધિષ્ઠાતા બન્યા છે. ધ્રુવને અમર પદ મળ્યું છે, પ્રહલાદ પ્રભુને પામ્યા છે, શબરી-જટાયુ રામનામ જપીને અંતે પરમ તત્વને પામી શક્યા છે! તુલસીદાસજી કહે છે કે ભાવ, અભાવ, આળસ, પ્રમાદ… કોઈ પણ રીતે પ્રભુનું નામ લઈએ, એ ફળદાયી છે. કળિયુગમાં રામનામ પરમ મંત્ર છે. સ્વયં રામ પણ જેનો પ્રતાપ વર્ણવી ન શકે, એવું તત્વ રામ નામ છે.
ભગવાન શિવજીએ રામચરિતમાનસ રચ્યું. પોતાનાં હૃદયમાં રામ કથાને સંઘરી અને ભવાનીની જિજ્ઞાસાથી પ્રગટ કરી.શિવજી પાસેથી સાંભળેલી કથા કાગભુષંડીજીએ નીલગીરી પર્વત પર ગરુડજીને સંભળાવી. તીર્થરાજ પ્રયાગમાં અક્ષય વટની છાયામાં યાજ્ઞવલ્ક્યજીએ ભારદ્વાજજીને કથા સંભળાવી. તુલસીદાસજીને ગુરુ નરહરિ મહારાજે સંભળાવેલી રામકથાને એમણે ગ્રંથ રૂપે લોકબોલીમાં “રામચરિત માનસ” તરીકે ભાષાબદ્ધ કરી. શિવજીએ જ્ઞાનઘાટ પરથી, કાગભુષંડીજીએ ઉપાસના ઘાટ પરથી, યાજ્ઞવલ્કયજીએ ધર્મના ઘાટ પરથી અને સ્વયં તુલસીદાસજીએ શરણાગતિના ઘાટ પરથી કથા ગાન કર્યું છે.
પ્રયાગરાજમાં યાજ્ઞવલ્ક્યજી ભારદ્વાજજીની જિજ્ઞાસાથી રામકથાનો આરંભ કરે છે. મહા મોહ મહિષાસુર છે.અને રામકથા કરાલ કાલિકા છે, જે મહા મોહનો નાશ કરે છે. યાજ્ઞવલ્કયજી રામ કથા પહેલા શિવકથા કહીને સેતુબંધ રચે છે, સમન્વય સાધે છે.
ત્રીજા દિવસના કથારંભ પૂર્વે, કોળી સમાજ અને પ્રજાપતિ સમાજના પ્રતિનિધિઓએ પોથીજીની વંદના કરી. કથાના પ્રથમ દિવસે પૂજ્ય બાપુએ, નિ:શુલ્ક હોસ્પિટલનો જેમને સવિશેષ લાભ મળવાનો છે એવા- રાજુલા પંથકનાં ગામડાઓ, લાખ-લાખ રૂપિયા આપે, એવો ભાવ વ્યક્ત કરેલો. જેના પ્રતિસાદરૂપે બાબરીયાધાર, વડલી, ટીંબી, ભેરાઈ અને રાણીંગપરા – દરેક ગામ-સમસ્ત દ્વારા રૂ. ૧,૨૫૦૦૦ તથા ધારેશ્વર ગામ તરફથી ૧,૮૧,૦૦૦ રૂપે પ્રાપ્ત થયા.
“માનસ-મંદિર” નાં ચિંતનમાં પ્રવેશતા પૂજ્ય બાપુએ કહેલું કે આપણું શરીર ધર્મનું સાધન છે. રામચરિતમાનસમાં રામજી કહે છે કે “સુર દુર્લભ માનુષ તનુ પાવા…” શરીરરૂપી આ સાધનનું આરોગ્ય બરાબર ન હોય, તો આપણી અધ્યાત્મ યાત્રામાં બાધા આવે છે. અને આરોગ્ય સારું હોય- છતાં એનામાં આધ્યાત્મિકતા ન હોય, તો પણ જીવન યાત્રા યોગ્ય રીતે થતી નથી. એટલે આરોગ્ય અને અધ્યાત્મ – એ બંને મંદિર જરૂરી છે.
રામચરિત માનસ એક જંગમ મંદિર છે. માનસમાં ત્રણ વખત “મન મંદિર” નો ઉલ્લેખ છે. મનનું આરોગ્ય બરાબર રહે, તો તનનું આરોગ્ય પણ જળવાઈ રહે. અને તન બરાબર હોય, તો મન પણ શાંત રહે!
બાપુએ કહ્યું કે દરેક મન મંદિર નથી હોતાં. પશુ-પક્ષીને પણ મન હોય છે. અસ્તિત્વએ સહુને અંત:કરણ આપ્યું છે – એનાં પ્રમાણ પણ આપણને મળે છે. મન તો બધા પાસે હોય છે, પણ કાયમ પ્રસન્ન રહેતું હોય – એ મન જ મંદિર છે! અને જો મંદિરમાં રહીને પણ મન પ્રસન્ન ન રહેતું હોય, તો એ મન મંદિર નથી. આવાં મલિન મનને પ્રસન્ન કરવાનો એક જ ઉપાય છે – રજથી- ધૂળથી, મન મલિન બને છે. એનાં પરથી રજોગુણની રજને કાઢવા માટે, બુદ્ધ પુરુષની ચરણ રજનો એના પર અભિષેક કરવો- એ એક જ માર્ગ છે. સંકલ્પ અને વિકલ્પ એ મનનો કચરો નથી, એનો સ્વભાવ છે. મનનો કચરો રાગ અને દ્વેષ છે. જેમ ઘડો ખાલી હોય, તો તળાવમાં તરી શકે છે, ભરેલો હોય તો ડૂબી જાય છે.
મન મંદિરનું નિરૂપણ કરતા પૂજ્ય બાપુએ કહ્યું કે – મંદિરનો પાયો છે- મનોમય કોષ. જેના જે ઇષ્ટદેવ હોય. કૃષ્ણ, રામ, શંકર માતાજી…. ઈશ્વરનું જે સ્વરૂપ જેને ગમે, તેને પોતાનાં મંદિરમાં સ્થાપે. ઇશ્વરમાં બધું જ આવી જાય. ઇશ્વર એટલે ભગવાન મહાદેવ- શંકર! નિંદા કરે, તે શિવ રૂપ તો ન થઈ શકે- જીવ રૂપ પણ ન રહે!
બાપુએ કહ્યું કે – “સવારે રુદ્રાષ્ટકનો પાઠ, બપોરે રામ-સ્મરણ અને સાંજ પડે, ત્યારે ભૂસુંડી રામાયણનો પાઠ કરવો. રાત્રે હનુમાન ચાલીસા બોલતા બોલતા સૂઈ જવું. જાતભાતના જપ-તપમાં ન પડવું.”
એક રુદ્રાષ્ટકના પાઠમાં તમામ વેદાંત સમાઇ જાય છે. પરમાત્માના પરિચયના વિભિન્ન સંકેતો એક જ રુદ્રાષ્ટકમાં આવી જાય છે. જગતનું તમામ અધ્યાત્મ ‘રુદ્રાષ્ટક’ છે.
મનનો પુજારી એટલે સંયમ. માનવીનાં મનનો સંયમ, એટલે કે મનને સમજાવીને રાજી રાખવું. તુલસી મનને કહે છે કે – “રામ ભજ તુ સઠ મના…”
તોફાની બાળકને અટકાવો, તો વધુ તોફાન કરે – એની સામે ધ્યાન ન આપો, તો એની મેળે શાંત થઈ જશે. એમ મન પણ જ્યારે ઉધામા કરે, ત્યારે શાંતિ રાખવી.
મનમંદિરનો પ્રસાદ સૌમ્યતા છે.બધા જ ભેદ મટી જાય, એવી શાંતિદાયક સૌમ્યતા જ મંદિરનો પ્રસાદ ગણાય.મન-મંદિરની આરતી, એટલે આર્તનાદ- હૃદયનો આર્ત ભાવ! આર્ત મન કોઈના માટે અકલ્યાણનો વિચાર ન કરે, કેવળ કલ્યાણમાં જ અટલ રહે. એ ભાવ – મન મંદિરનું શિખર છે.
અને મનનું નૃત્ય એ મંદિરની ધજા છે.
કથાના ક્રમમાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ શિવકથાનો પ્રારંભ કર્યો.
સતીએ કથા નહીં સાંભળવાની પહેલી ભૂલ કરી, રામને ન સમજી શકવાની બીજી ભૂલ કરી, પતિનું ન માન્યું- એ ત્રીજી ભૂલ કરી. રામની પરીક્ષા લેવા જવાની ભૂલ કરી, સીતાનું રૂપ ધારણ કરીને ભૂલ કરી, અંતે ખોટું બોલવાની ભૂલ કરી….. છેવટે શિવજી મનોમન સતીનો ત્યાગ કરે છે. અખંડ સમાધિમાં બેસી જાય છે. સમાધિનો આરંભ સ્વરૂપાનુસંધાનથી થયો અને સમાધિનું ફળ રામનામ રૂપે મળ્યું! શિવકથામાં
પૂજ્ય બાપુએ કહ્યું કે – “ધર્મ પર સવારી કર્યા પછી જીવનમાં વળાંક આવવો જોઈએ.
એ સમયે, સાધુના અંતઃકરણની પ્રવૃત્તિ અનુસાર, રાષ્ટ્ર અને રાજ્ય સરકારના અનુરોધને અનુમોદન આપતા બાપુએ કથાને મુલતવી રાખવા જાહેરાત કરી હતી. હવે ૨૦ એપ્રિલથી, શ્રોતા વિનાની વર્ચ્યુઅલ રામકથાનું ગાન પૂજ્ય બાપુ આગળ વધારશે. અને ૨૫ એપ્રીલે કથાને વિરામ અપાશે.